અમદાવાદ : કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે એક માત્ર ઉપાય વેકસિનેશન છે. ત્યારે અમદાવાદના યુવાનોએ આ વેકસીનેશન પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવવા માટે અનોખી પહેલ હાથ ધરી છે, ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટના બેનર હેઠળ આ પહેલને આગળ ધપાવી 120 કારથી શરૂ થયેલ આ પ્રક્રિયા આગામી એક મહિના સુધી ચલાવવામાં આવશે અને વધુને વધુ લોકો વેકસીન લે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.
સરકારના આટ આટલા પ્રયાસ છતાં, હજુ પણ ઘણા લોકો વેક્સિનથી વંચિત છે. તેવામાં યુવાઓની આ કાર સેવા 45 વર્ષથી વધુ ઉંમરના તેમજ દિવ્યાંગ લોકોને વેકસીન અપાવવામાં મદદ કરશે. વેકસીન લેવા અંગે કેટલાક લોકોમાં પ્રવર્તી રહેલી અંધશ્રદ્ધા, ડર અને ભ્રમ વચ્ચે ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટનો લોકોને વેકસીન લેવા જાગૃત કરવાનો આ અનોખો પ્રયાસ છે. જે લોકો વેકસીન લેવા માગે છે પરંતુ વેકસીનેશન સેન્ટર સુધી એમને લાવવા લઈ જવાવાળું કોઈ નથી અથવા આવવા જવામાં જે અશક્ત છે તેમને આ સુવિધા મદદરૂપ બનશે.
નિઃશુલ્ક સેવાનો લાભ લેવા શહેરીજનોએ મિસ કોલ કરવાનો રહેશે. યુવાનો દ્વારા શરૂ કરાયેલ હેલ્પલાઇન નંબર - 8955504051 મિસ કોલ કર્યા બાદ એક મેસેજના માધ્યમથી લિંક આવશે. લિન્કમાં માગેલી વિગત ભરતાની સાથે જ જે તે સ્થળે કાર સુવિધા વેકસીનેશન સેન્ટર સુધી આવવા અને જવા માટે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ સાથે જોડાઈ આ સેવામાં જોડાવવા માગતા કારચાલકોને પણ જોડવામાં આવશે, જેથી વધુમાં વધુ લોકોને મદદરૂપ થઇ શકાય. આગામી 1 મહિના સુધી ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ સુવિધા નિઃશુલ્ક આપવામાં આવશે. મહત્વનું છે કે યુવાઓની આ પહેલના કારણે હાલ 120 જેટલી કાર સેવામાટે કામે લગાડવામાં આવી છે એ સેવા 1200 જેટલી કાર સુધી પહોંચાડવાનો યુવાનોનો લક્ષ્યાંક છે. જેથી વધુને વધુ લોકોને લાભ અપાવી શકાય.


0 Comments