સિસ્ટમની ગંદકી દૂર કરવા ઈસુદાનનો ‘આપ’ પ્રવેશ

છેલ્લા કેટલાય સમયથી ચાલતા રાજકીય ચલકચલાણાનો અંત આવી ગયો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઈસુદાન ગઢવીનો આપમાં વિધિવત પ્રવેશ કરાવ્યો છે. ઈસુદાને જે દિવસે રાજીનામું આપ્યું તે દિવસે જ મીડિયા વર્તુળો અને રાજકીય નિષ્ણાતો એ હવાને પારખી ગયા હતા કે ઈસુદાન આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. જોકે ઈસુદાને આ વાતને અંત સુધી સસ્પેન્સ રાખી હતી.


ગ્રામીણ પ્રદેશમાં વીટીવીનાં મહામંથન કાર્યક્રમના કારણે લોકપ્રિય બનેલા ઈસુદાન ગઢવીના શીરે સૌરાષ્ટ્રની સીટો મેળવવાની જવાબદારી રહેશે એ તો નક્કી મનાઈ રહ્યું છે. કેજરીવાલે આજે સવારમાં બનેલો એક કિસ્સો પ્રેસ કોન્ફરન્સમાં કહ્યો હતો. તેમણે જણાવ્યું કે, આજે સવારમાં જ્યારે એરપોર્ટ પર આગમન થયું ત્યારે એક યુવાને સેલ્ફી લેવા કહ્યું હતું. એ સાથે તેણે વાત કરી હતી કે ઈસુદાન તો ગુજરાતનાં કેજરીવાલ છે.

કેજરીવાલે આમ કહી ઈસુદાનનું કદ ઊંચું કરી દીધું છે. ત્યારે આવનારા સમયમાં ઈસુદાનને પત્રકારત્વમાંથી રાજનીતિનો ગ્રહયોગ ફળે છે કે નહીં તે પણ જોવાનું રહેશે.


પ્રેસ સાથે વાર્તાલાપ દરમ્યાન ઈસુદાન ગઢવીએ કહ્યું કે, પત્રકારત્વની કારકિર્દી દરમ્યાન કોઈ દિવસ વિચાર્યું સુદ્ધાં નહોતું કે આ સ્ટેજ પર હોઈશ. જનતાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે. જેથી હું રાજકારણમાં આવું છું. તેમણે જણાવ્યું કે, એક પત્રકાર તરીકે લોકોને લાભ આપી શકાય તેવો મેં પ્રયાસ કર્યો છે. સિસ્ટમની ગંદકી દૂર કરવા માટે રાજકારણમાં ઉતરવું પડ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, હવે ગુજરાતનો ઈતિહાસ બદલાવા જઈ રહ્યો છે. કોંગ્રેસ પણ નબળી પડી છે જેથી જનતાને વિકલ્પ જોઈએ છે.

હાલ તો ગુજરાતનાં કેજરીવાલ જેમને બનાવવામાં આવ્યા છે તે ઈસુદાન ગઢવી ભાજપને ગુજરાતમાંથી ખદેડી શકે છે કે નહીં તે તો આવનારો સમય જ કહેશે.

Post a Comment

0 Comments