ગાંધીનગર: ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે એ પહેલા જ કોંગ્રેસે રાજ્યમાં પોતાની રાજકીય પકડ મજબૂત કરવા માંગે છે. એવું મનાઈ રહ્યું છે કે, આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં સંગઠન માળખાની રચના કરવામાં આવી શકે છે. જેમાં ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે 3 નામોની ચર્ચાએ જોર પકડ્યું છે.

આ અંગે ટોચના ગુજરાતી અખબારના અહેવાલ અનુસાર, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા અને ભરત સોલંકીનું નામ ચર્ચામાં છે. જ્યારે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે શૈલેષ પરમાર, પૂજા વંશ અને વીરજી ઠુમ્મરનું નામ રેસમાં જોવા મળી રહ્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ, કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા પાર્ટીના પ્રદેશ માળખા માટે નજીકના ભવિષ્યમાં નિમણૂંક કરવામાં આવી શકે છે. આગામી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને મજબૂત ટક્કર આપવા માટે પાર્ટી પ્રદેશ અધ્યક્ષ તરીકે શક્તિસિંહ ગોહિલની નિમણૂંક કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. શક્તિસિંહ ગોહિલની ક્લિન ઈમેજ ઉપરાંત ગુજરાત બહાર તેમની કામગીરી ઉમદા રહી છે. આજ કારણસર પાર્ટી હાઈકમાન્ડ તેમની પસંદગી કરી શકે છે. આ સિવાય અર્જુન મોઢવાડિયા અને ભરતસિંહ સોલંકીના નામો પણ ચર્ચામાં છે.

બીજી તરફ ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે ત્રણ નામોની ચર્ચા થઈ રહી છે. જેમાં પૂજા વંશનું નામ સૌથી ઉપર છે, કારણ કે વિધાનસભાના છેલ્લા સત્રમાં તેમણે આક્રમક અભિગમ દાખવ્યો હતો. આ સિવાય શેલૈષ પરમાર અને વીરજી ઠુમ્મરને પણ આ જવાબદારી સોંપવામાં આવે તેવી સંભાવના જોવાઈ રહી છે.

જાણો: કામરેજના 5મુ પાસ ભાજપ MLA ઝાલાવાડિયાની હરકત

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. રાજ્યની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પાલિકાની ચૂંટણીઓમાં કોંગ્રેસનો કરુણ રકાસ થતાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પોતાના રાજીનામાં આપી દીધા હતા. જે બાદ લગભગ છેલ્લા દોઢ-બે મહિનાથી પાર્ટી હાઈકમાન્ડ દ્વારા ગુજરાત કોંગ્રેસના સંગઠન માળખા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. 

આગામી વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ માટે પણ મોટો પડકાર છે, કારણ કે 2022ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM પણ મેદાનમાં ઉતરી શકવાની શક્યતા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આ બન્ને પાર્ટીઓનું પ્રદર્શન સારુ રહ્યું હતું અને કોંગ્રેસની મતબેંકમાં મોટુ ગાબડું પડ્યું હતુ. એમાંય સુરત મહાનગર પાલિકામાં પ્રથમ વખત કોંગ્રેસની જગ્યાએ આમ આદમી પાર્ટી વિપક્ષમાં બેઠી છે.

હવે વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ મોવડી મંડળા રાજ્યમાં પાર્ટીની કમાન કોને સોંપે છે અને તેનાથી આગામી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શનમાં કેવો ફેર પડે છે? તે જોવું રહ્યું….

અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. ધન્યવાદ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા મા અમારી સાથે જોડાઓ

Facebook  | Instagram Twitter